Sunday, August 30, 2009

આ જીવ

સમાજના બંધનોથી દૂર જઇને
જીવવા માટે વલખા મારતો આ જીવ

મુક્તપણે વાદળવિનાના આકાશમાં
વિહરવા માટે મથતો આ જીવ

ત્યાગ અને બલિદાનની દુહાઇ દેતા સંબંધો
એવા આ સંબંધોથી દૂર થવા માગતો આ જીવ

મુક્તપણે વિહરવા મળે છે આખુ આકાશ
છતાં ધરતી પર પાછા આવવા ખેંચાતો આ જીવ

સંબંધોથી દૂર થવા મળે છે ઘણા રસ્તાઓ
છતાં જાતે જ બંધનોમાં જકડાઇ જતો આ જીવ્

ઘડીકમાં આ પાર તો ઘડીક્માં પેલે પાર
બે કિનારાની વચ્ચે વમળોમાં ફસાતો આ જીવ

કુદરતે તો બક્ષ્યાં છે ઘણા બધા રસ્તાઓ
છતાં કંટકોવાળા રસ્તાઓ જ પગદંડતો આ જીવ

અને જ્યારે કંટકોથી છોલાતા પગના ઘા ને જોવે
ત્યારે કુદરતને જ કોસતો રહેતો આ જીવ

કુદરતની લીલાને સમજ્યા પછી પણ
વણસમજ્યા રહેવાનો ડોળ કરતો આ જીવ
કુદરતને જ કોસતો રહેતો આ જીવ

મન કેમ જવાબ શોધે છે?

કોઇ પ્રશ્ન નથી છતા પણ આ મન કેમ જવાબ શોધે છે?
ભીડ્ભાડ ભર્યા આ જીવનમાં કેમ સાથ શોધે છે?
એકાંતભર્યા ઓરડામાં પણ કેમ એકાંત શોધે છે?

શું જિંદગી એટલી સસ્તી છે કે મ્રુત્યુના દ્વારે જીવન શોધે છે?
અને જીવનની મહીં રહીને મ્રુત્યુને શોધે છે

કોઇ ચાહે છે શાન્તિ આ ઘોંઘાટથી દૂર ભાગી જઇને
તો કોઇ કંટાળી ગયુ છે કાયમ મળતી શાન્તિને જોઇને

કોઇ પરેશાન છે અસ્તવ્યસ્ત વિચારોને કારણે
તો કોઇ અનુભવે છે બોજારૂપ જીવન વધુ પડતી સમજદારીને કારણે

આસાનીથી મળતા પ્રેમને કોઇ સ્વીકારી શકતુ નથી
તો કોઇ હંમેશાને માટે ઝંખતો રહે છે નિર્મળ પ્રેમને માટે
કોઇ પ્રશ્ન નથી છતા પણ આ મન કેમ જવાબ શોધે છે?

દરિયા કિનારે બેઠા બેઠા

દરિયા કિનારે બેઠા બેઠા, લહેરોને હું જોઇ લઉં
જ્યાં મળે છે દરિયો અને આકાશ, તે ક્ષિતિજ ને જોઇ લઉં

વમળોની વચ્ચે ફસાયેલા વિચારોને ખંખેરીને
ઇન્દ્રધનુષી રંગોથી મનના ખુણેખુણાને ભરી દઉં

ક્ષિતિજની પેલે પાર કોઇ ટાપુ હોય કે ના હોય
હૈયાની આ નાવને મનનાં હલેસાંથી હંકારી લઉં

આસમાની આકાશ, ને આસમાની પાણી
છતાં તેમને જુદા કરતી એક લકીર
ઘુઘવાતો મહાસાગર, અને શાંત આકાશ
છ્તાં કેટ્લું સુંદર તેમનું આ મિલન લાગે છે
બેઠા બેઠા આ ઘડીને મન ભર માણી લઉં
આ ઘડીમાંથી જીવનનું કોઇ રહસ્ય સમજી લઉં

સુર્યોદય થતા ચોમેર પથરાતી કિરણોને
અંતર મહીં છુપાયેલી પોટલીમાં બંધ કરી દઉં

જીવન ઘણું સુંદર છે, દુનિયા ઘણી સુંદર છે
આ સુંદરતાને મારી પલકોમાં કૈદ કરી લઉં
બેઠા બેઠા આ ઘડીને મન ભર માણી લઉં

હસીન જિંદગી

આજે આ જિંદગી ખૂબ હસીન લાગે છે
રંગો નથી છતાં ઘણી રંગીન લાગે છે
જેનો કોઇ છેડો ના જડે એવી જમીન લાગે છે
જેનો કોઇ અંત ના હોય એવુ આકાશ લાગે છે
આસમાન માં વિહરતુ એક મુક્ત પંખી લાગે છે