Sunday, August 30, 2009

આ જીવ

સમાજના બંધનોથી દૂર જઇને
જીવવા માટે વલખા મારતો આ જીવ

મુક્તપણે વાદળવિનાના આકાશમાં
વિહરવા માટે મથતો આ જીવ

ત્યાગ અને બલિદાનની દુહાઇ દેતા સંબંધો
એવા આ સંબંધોથી દૂર થવા માગતો આ જીવ

મુક્તપણે વિહરવા મળે છે આખુ આકાશ
છતાં ધરતી પર પાછા આવવા ખેંચાતો આ જીવ

સંબંધોથી દૂર થવા મળે છે ઘણા રસ્તાઓ
છતાં જાતે જ બંધનોમાં જકડાઇ જતો આ જીવ્

ઘડીકમાં આ પાર તો ઘડીક્માં પેલે પાર
બે કિનારાની વચ્ચે વમળોમાં ફસાતો આ જીવ

કુદરતે તો બક્ષ્યાં છે ઘણા બધા રસ્તાઓ
છતાં કંટકોવાળા રસ્તાઓ જ પગદંડતો આ જીવ

અને જ્યારે કંટકોથી છોલાતા પગના ઘા ને જોવે
ત્યારે કુદરતને જ કોસતો રહેતો આ જીવ

કુદરતની લીલાને સમજ્યા પછી પણ
વણસમજ્યા રહેવાનો ડોળ કરતો આ જીવ
કુદરતને જ કોસતો રહેતો આ જીવ

મન કેમ જવાબ શોધે છે?

કોઇ પ્રશ્ન નથી છતા પણ આ મન કેમ જવાબ શોધે છે?
ભીડ્ભાડ ભર્યા આ જીવનમાં કેમ સાથ શોધે છે?
એકાંતભર્યા ઓરડામાં પણ કેમ એકાંત શોધે છે?

શું જિંદગી એટલી સસ્તી છે કે મ્રુત્યુના દ્વારે જીવન શોધે છે?
અને જીવનની મહીં રહીને મ્રુત્યુને શોધે છે

કોઇ ચાહે છે શાન્તિ આ ઘોંઘાટથી દૂર ભાગી જઇને
તો કોઇ કંટાળી ગયુ છે કાયમ મળતી શાન્તિને જોઇને

કોઇ પરેશાન છે અસ્તવ્યસ્ત વિચારોને કારણે
તો કોઇ અનુભવે છે બોજારૂપ જીવન વધુ પડતી સમજદારીને કારણે

આસાનીથી મળતા પ્રેમને કોઇ સ્વીકારી શકતુ નથી
તો કોઇ હંમેશાને માટે ઝંખતો રહે છે નિર્મળ પ્રેમને માટે
કોઇ પ્રશ્ન નથી છતા પણ આ મન કેમ જવાબ શોધે છે?

દરિયા કિનારે બેઠા બેઠા

દરિયા કિનારે બેઠા બેઠા, લહેરોને હું જોઇ લઉં
જ્યાં મળે છે દરિયો અને આકાશ, તે ક્ષિતિજ ને જોઇ લઉં

વમળોની વચ્ચે ફસાયેલા વિચારોને ખંખેરીને
ઇન્દ્રધનુષી રંગોથી મનના ખુણેખુણાને ભરી દઉં

ક્ષિતિજની પેલે પાર કોઇ ટાપુ હોય કે ના હોય
હૈયાની આ નાવને મનનાં હલેસાંથી હંકારી લઉં

આસમાની આકાશ, ને આસમાની પાણી
છતાં તેમને જુદા કરતી એક લકીર
ઘુઘવાતો મહાસાગર, અને શાંત આકાશ
છ્તાં કેટ્લું સુંદર તેમનું આ મિલન લાગે છે
બેઠા બેઠા આ ઘડીને મન ભર માણી લઉં
આ ઘડીમાંથી જીવનનું કોઇ રહસ્ય સમજી લઉં

સુર્યોદય થતા ચોમેર પથરાતી કિરણોને
અંતર મહીં છુપાયેલી પોટલીમાં બંધ કરી દઉં

જીવન ઘણું સુંદર છે, દુનિયા ઘણી સુંદર છે
આ સુંદરતાને મારી પલકોમાં કૈદ કરી લઉં
બેઠા બેઠા આ ઘડીને મન ભર માણી લઉં

હસીન જિંદગી

આજે આ જિંદગી ખૂબ હસીન લાગે છે
રંગો નથી છતાં ઘણી રંગીન લાગે છે
જેનો કોઇ છેડો ના જડે એવી જમીન લાગે છે
જેનો કોઇ અંત ના હોય એવુ આકાશ લાગે છે
આસમાન માં વિહરતુ એક મુક્ત પંખી લાગે છે

Wednesday, August 19, 2009

Saturday, August 8, 2009

જીવનને કોઇ ને કોઇ પાઠ શિખવતા માનવી

જીવનના દરેક રસ્તે સામે ટકરાતા માનવી
જીવનને કોઇ ને કોઇ પાઠ શિખવતા માનવી

ક્યારેક ધૈર્ય, ક્યારેક સહનશીલતા, ક્યારેક ખુશી
ક્યારેક સહિષ્ણુતા, ક્યારેક અનુકંપા, તો ક્યારેક માનવતા
બચપણથી જવાની સુધી ને જવાનીથી બુઢાપા સુધી
એક એક દિવસ એક એક પળ જીવી જતા માનવી

કદિક ખુશીથી તો કદિક દુઃખ ભર્યા હૈયે
દરેક રંગથી અંતરને રંગી દેતા માનવી
કદિક હાસ્ય, કદિક માર્મિક્તા, કદિક ગમના સથવારે
જિંદગી રૂપી નાવને દુનિયાના સાગરમાંથી પાર કરી જતા માનવી

ક્યારેક મિત્ર બની, ક્યારેક ભાઇ-બંધુ, ક્યારેક ગુરુજી
ક્યારેક બની માતા-પિતા, ક્યારેક સગા-સંબંધી,
ક્યારેક દાદા-દાદી, તો ક્યારેક મામા-માસી બની
કાંઇક ને કાંઇક નવી સમજણ આપતા માનવી

જીવનના દરેક મોડ પર જે પણ સામે મળ્યા
તેમને હર્ષોલ્લાસ્થી અપનાવી જતા માનવી
જીવનના દરેક રસ્તે સામે ટકરાતા માનવી
જીવનને કોઇ ને કોઇ પાઠ શિખવતા માનવી

અંતરનો સાદ

અંતરની અંદરથી આવતો સાદ કંઇક કહી જાય છે
જીવનને કોઇ પણ શરત વગર અપનાવવા ટકોરી જાય છે

આશાઓના સથવારે જીવન જીવવુ જરૂરી છે
પણ આશાઓ પર આશા ન રાખવા સમજાવી જાય છે

દરેક પરિસ્થિતિને ઊંડાણથી સમજી વિચારીને
મંજિલની ઊપરના બધા રસ્તાઓ પરખાવી જાય છે

દરેક પ્રશ્નનો સાચો જવાબ હોય એ જરૂરી નથી
પણ જિંદગી રૂપી આ પરીક્ષામાં પાસ કરાવી જાય છે

હંમેશા આવતા પરિસ્થિતિના પ્રશ્નો સમજાતા નથી
ન સમજાવીને પણ કાંઇક ને કાંઇક સમજાવી જાય છે

અંતરની અંદરથી આવતો સાદ કંઇક કહી જાય છે

એક મેક ના સથવારે

એક મેક ના સથવારે ચાલ આ જીવન જીવી જઇએ
ગમે તેવી કઠિન પરિસ્થિતિમાંથી પણ પાર ઉતરી જઇએ

સથવારાનો મતલબ નિકટ્તા નથી હોતી
એક્બીજાને સમજીને ચાલ વધુ નિકટ બની જઇએ

સપનાઓ જોવાના બંધ કરી દીધા છે હવે મેં
હકીકતને અપનાવીને માનસિક રીતે મુક્ત બની જઇએ

ભવિષ્યની તો કોઇજ ખબર નથી પડતી
ચાલ ફરીથી એ જ પુરાણે રસ્તે પાછા વળગી જઇએ

હમેશા તને મારી સાથે રાખવાનુ તો શક્ય નથી
એટ્લે જ એક્બીજાને હ્રદયમાં વસાવવા આપણે માની જઇએ

પંખી બનીને આકશમાં ઉડ્વાના અભરખા હતા મને
ઉડી તો લીધું, પણ ચાલ પાછા ધરતી પર આવી જઇએ

માનવીનું ખોળિયું હમેશા સાથે રહેતુ નથી
સ્વજનોના વિયોગને ખુશીથી અપનાવી લઇએ

Tuesday, August 4, 2009

હૈયાને બે ઘડી જરા હળવું કરી લઉ,
બે ઘડી તારી જોડે જરા વાત કરી લઉ.
મન થાય છે કે તારા હ્ર્દય ઉપર માથુ મુકીને,
મનમાં ભરાયેલો આંસુઓનો ઉભરો કાઢી લઉ.

તુ હોય કે ના હોય મારી સાથે કોઇ વખત,
મારી જાતને સંભાળવાની કોશીશ કરી લઉ.
અંતરથી અળગા થયેલા તારા વિચારોને
મમળાવી લઈને થોડી વાર વાગોળી લઉ.

જિંદગીએ આપેલા ઝખ્મોને યાદ કરીને
લાવ જરા જિંદગીને હસીન બનાવી લઉ.
ઝખ્મો દીધા, ઝખ્મો પર મરહમ પણ દીધા.
એ મરહમને નતમસ્તક સલામ કરી લઉ.

આગળ વધવાનો રસ્તો દેખાય કે ના દેખાય,
ક્યાંક બેસીને હું મંજિલ ની તલાશ કરી લઉ.
કાંટાળા રહ્યા ભલે મંજિલ તરફના બધા રસ્તા
હાથેથી કાંટાઓને અળગા કરી, ત્યાં ગુલાબ ખીલવી લઉ.

લાવ, તારી જોડે બે ઘડી જરા વાત કરી લઉ.